Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Tuesday, 26 November 1985

કાંકરા તો વીણ્યા______________________________________________________
ધરતી ને તરસતાં તરસતાં
હું તો આભ ખોઈ બેઠો  -

કાંકરા તો વીણ્યા
'ને પથ્થરો પણ ગણ્યાં
પણ પહાડ ખોઈ બેઠો  ;

ભટકતો રહ્યો
જમી - આસમાં વચે લટકતો રહ્યો ;

ખર્યાં બે - ચાર આંસૂ ધરા ની છાતીએ ,
મોતી ગણી સંઘર્યા ;

પણ ઉઠાવી આંખ
આભને ના કહ્યું ,

" મારો ત્રિશંકુ છે
  મને પાછો આપી દે "

------------------------------------

Goa /  26  Nov  1985
__________________________________________Monday, 25 November 1985

ઉર ને કેમ કરી ઢાંકે ધરતી ?______________________________________________________
વરાળ બની ને વહી ગયું ,
બોગ્માલો ની ધરતી ને ધાવવા
મારું મન ,
ઝાકળ બની ને ઝૂમી ગયું ;

ધ્હુમસ  છાયાં
આછા - પાતળાં પાલવ જેવા
ધ્હુમસ આયા ;

ઉર ને કેમ કરી ઢાંકે ધરતી ?
મારી આંખો
જેમ કરીને ઝાંકે ધરતી !

ગાજ્યો
આજે આખી રાત ગાજ્યો ,
ભૂમિ ને ચૂમતા ચૂમતા
દરિયો આજે
આખી રાત લાજ્યો  -

હું કેમ કરી ને ગાઉં ?
તારું નામ ,
ઓઠો પર
કેમ કરીને લાવું ?

જો હું ભીતર - ભેદ ખોલું
તો
તારે જીવનભર શરમાવું !

મારા મનનો મહેરામણ
મન - અંતર માં
છાનું છપનું રોયો .


-------------------------

Bogmaalo - Goa  /  25  Nov  1985
__________________________________________
Sunday, 20 October 1985

તારી આણ છે_________________________________________________________________________________
આંખો તો બંધ થઇ જાય છે
પણ આખી રાત તરફડું છું  :

કઠેરા પર બેઠેલ કબૂતર ની જેમ
ઘૂઘવું છું :

વલોવાતાં હૈયા ની હાય
રહી રહી ,
 ઓઠ સુધી આવી રહી જાય છે ,

પ્રિયા ; પ્રિયા ; પ્રિયા ;

અસ્પષ્ટ શબ્દો ,
ઉઠતાં પહેલા મરી જાય છે ;

તારી આણ છે
તેથી જ તો મેં પણ
કંધા પર , ક્રાઈસ્ટ ની જેમ
ક્રોસ ઉપાડ્યો છે
મૌન નો ;

મને ખિલ્લા ઠોકવાની જરૂર નહિ પડે
કારણ કે
સિઝર ના સૈનિકો એ નક્કી નથી કરી
મારા મોત ની જગા .

મારે બસ ચાલ્યાં જ કરવાનું છે
એક ગોળ વર્તુળ માં   -

ક્રોસ નો ભાર વધતો જ જાય છે
'ને મારી આંખ ના અજવાળા
ઘટતાં જાય છે .


------------------------------

Bombay  /   20  Oct  1985
________________________________________________________________Saturday, 19 October 1985

કિનારે કિનારે_________________________________________________________________________________
તને શોધી
વ્હેલી સવારે
દરિયા ના આછા પાતળા પાણી માં ,
કિનારે કિનારે ;

જ્યાં મોજાઓ માછલી ની જેમ
તરફડી તરફડી શાંત થાય છે ;

ત્યાંતો આભ નું પ્રતિબિંબ હતું
તું ન્હોતી ,
પણ તારી આંખો
હજારો આંખો ,
છીપલે છીપલે છુપાઈ
જાણે મને જો'તી હતી !

મને હવે ગુલાબી રંગ ગમે છે
ઉઘાડી ઉષા ના ગુલબદન જેવો  -

આળસ મરડી ઉભી થાય પથારી માં થી
એ પહેલા જ
સોના ના સૂરજે ,
ચૂમી લીધાં હોય તેવા
એના વક્ષ જેવો  ;

છાતી માં
સમંદર જેવો વિશાળ
એક અજંપો ભરી
હું તો શોધ્યા કરું તને
કિનારે કિનારે .

-------------------------

Mumbai  /  19  Oct  1985
________________________________________________________________Friday, 20 September 1985

પણ ચડાવશે કોણ ફૂલ ?

પણ ચડાવશે કોણ ફૂલ 


______________________________________________________
અનંત રાહ  -

મારી આંખ ના અમી ખૂટ્યા
પણ ના ખૂટી તારી પ્રતિક્ષા ;

અ:સીમ દા:હ ;

જળી ને ખાક થઇ ગયું
કાળજું ,
( પણ )
રહી રહી ઉઠે છે વિરહ ની આહ  !

તને ચાહતો રહ્યો
સવાર - સાંજ , પ્રભુ પાસે
તને માંગતો રહ્યો  -

બની જયારે વેદના અસહ્ય
ખુદ થી ડરી ને ભાગતો રહ્યો  -

જીવતે જીવ
પથ્થરો ચણ્યા મેં કબર ના
પણ ચડાવશે કોણ ફૂલ ?

તું તો મારી સાથે જ સૂતી હઈશ
ખરું ને ?

તારે - મારે
હવે એજ એક રાહ .

-----------------------------

20  Sept  1985
______________________________________________________

Sunday, 8 September 1985

તારા ઘર નો ઝાંપો બંધ હતો .........______________________________________________________
તારા ગામ થી નીકળ્યો
ત્યારે
આભ માં આછું અજવાળું હતું ,
 થોડાક વાદળાં થંભી ગયા 'તા  -

એક કોયલ ટહૂકી
પવને પડખું ફેરવ્યું
'ને
પાંચ પાંદડા ફરકયા -

તારા ઘર નો ઝાંપો બંધ હતો .........

આશા થી ઉંચો લીધેલ
મારો શ્વાસ
એક પળ ઉંચો જ રહ્યો ,

પછી તારે આંગણે જ એક ખાડો કરી
મેં
નિરાશા ના શ્વાસ ને દાટ્યો  -

એને પાણી પાવા
મારી આંખ ના આંસૂ ખૂટી ગયા 'તા  ;

તારે ગામ થી નીકળ્યો
ત્યારે પાછું વળી વળી ને જોયા કર્યું

-- તારા ઘર નો ઝાંપો બંધ હતો .

---------------------------------

ગોકુલાષ્ટમી  /  08  Sept  1985 
______________________________________________________Friday, 6 September 1985

ચિતર્યું કોણે તારું નામ ?______________________________________________________
મને
અધરાતે અધર પર આવ્યું
તારું નામ  -

સપના ની રંગરલીઓમાં
મારા ગામની
ગલીઓ ગલીઓ માં

મોર ને પીંછે પીંછે
ચિતર્યું કોણે
તારું નામ ?

----------------------------

Surat /  06  Sept, 1985
__________________________________________ઉઠાવ લંગર_________________________________________________________________________________
હે મન :

મથીશ ના હવે ,

તરી તરી ને ડૂબ્યું તું
ઝાંઝવા ના જળે :

વહી જા ,
વિષાદ ના વહાણે ચડી
તરી જા
ગમો ના સમંદર  ;

ઉઠાવ લંગર
'ને સરી જા ,

તારે હવે શું કિનારા ,
શું બંદર ?


----------------------------

Surat
________________________________________________________________Saturday, 3 August 1985

તને " આવજો " કેવું ?_________________________________________________________________________________
મારે આંગણે આશાની વેલ
જાણે બોન્સાઈની બુગન વેલ ,

ન છાંયો, ન છત્તર
ના ખુશ્બૂનું અત્તર  -

નથી તેને રૂપ કે નથી તેને રંગ
નથી લચક માં એના
રતિ નું અંગ ;

આંસૂ સીંચી ને જીવતી તો રાખી
એને પાંદડે પાંદડે , કાંટાળી તારી ;

-------------------------------------

આજે
તને " આવજો " કહેતા અચકાયો -
તને " આવજો " કેવું ?
મેં તો તને કદી છોડી નથી !

---------------------------------------

આશાઓ
કરમાયેલી , ચીમળાયેલી , મૂરઝાયેલી,
પાનખર ના પાંદડા જેવી
લાલચોળ થઇ શરમાયેલી .

--------------------------------------------

Ahmedabad
________________________________________________________________Friday, 2 August 1985

મારા કર્ક ને_________________________________________________________________________________
ઈરાદો ન્હોતો
છતાં છેતરતો રહ્યો
ખુદને  -

તે તો જાણી - સમજી ને
મનને મનાવ્યું .

હું તો ગાફેલિયત માં
દિલ ને બનાવતો રહ્યો  -

ઉમ્મીદો ની કબ્ર પર
કાગળ ના ફૂલો ચઢાવતો રહ્યો  -

અરમાનોના પતંગ
પ્રેમને કાચે તાંતણે
ચગાવતો રહ્યો  !

જાણવા છતાં કે
મારા કર્ક ને ,
કુંડળી માં
મકરસંક્રાંત નો યોગ નથી !

---------------------------------------

Ahmedabad
________________________________________________________________

Wednesday, 31 July 1985

કેમ કરું સપનામાં સાથ ?_________________________________________________________________________________
આજ શ્રાવણ ને સરવડે
મારૂં મન રોયું  -

તારા તન ને તરસતા
મેં તો જીવન જોયું  ;

તારી , ફરી ફરી ને એકજ વાત
" સાજન , કરી લે સપનામાં સંગાથ ",

પણ કેમ કરું સપનામાં સાથ  ?

મધરાતે કોયલ બોલી
,ને
મારી આંખડી ખોલી ,

ત્યારે મન મૂકી ને આભ વરસતું , 'તું
ડુંગર ની ધારે ધારે ,
આભ ગરજતું 'તું ,

અનરાધારે વાદળ વરસ્યું
પણ મારું મન
ચાતક - તરસ્યું .

----------------------------------

Sanand
________________________________________________________________

Tuesday, 30 July 1985

આવજે વ્હેલો , વાલમ__________________________________________
આજે
હરિયાળી ધરતી છે તરસી  -

" આવજે વ્હેલો , વાલમ "
કહીને ,
આંખે થી વરસી ;

મેં  કહ્યું ,

" તું સારસી મારી
  હું તારો મલ્હાર ,
  આવું તો પણ કેમ કરીને ,
  તારા બંધ દુવાર "

પણ તને અહર્નિશ આશા ,
ભવસાગર ને સામે કાંઠે
મળવાની અભિલાષા  !

હું કેમ કરી ને આવું ?
મારી નૌકા
નામ - નિરાશા !

ઉઘાડી આંખના સપનામાં
મેં સાંભળ્યું સાચું ?

" પ્રિતમ, વ્હેલો આવજે "

----------------------

Ahmedabad  /  30  July  1985
__________________________________________


Monday, 29 July 1985

ભગવાન , તું મારો પુત્ર છે_________________________________________________________________________________
ભગવાન
તૂ મારો અપરાધિ !

મેં તને જન્મ  દીધો ,
તે મને મોત .

પળપળ સળગતું - જીવતું મોત
'ને મારી પ્રિયાના પ્રેમ માં
" પાપ " ની પ્રદૂષિત ભાવના
કોણે પૂરી  ?

તેંજ તો .

તને હું કદી માફ નહિ કરી શકું ,
એ જાણવા છતાં કે
મારી માફી ની કે મારા શ્રાપ ની
કદાચ તને કશી પડી નથી ,

કદાચ એ જાણી ને
કે
હું તને કદી મોત નહિ આપું  ?

કારણ કે
મેં તને જન્મ દીધો છે ,
કારણ કે
તું મારો પુત્ર છે  !

'ને
મારૂં મોત , તારું દીધેલું છે !

-------------------------------------

Ahmedabad

_______________________________________________________________Tuesday, 23 July 1985

જૂનાં શું ખોટા છે ?__________________________________________
મારી નજર સામે કોઈ ભાવિ નથી
ફક્ત અંધકાર જ અંધકાર છે .

તેથી જ તો હું વારંવાર
ભૂતકાળ માં
ભૂલો પડી જાઉં છું ,

જ્યાં સુખદ એવી
સ્મૃતિઓ કેવી ,
દટાએલી પડી છે .

ગામ ને પાદર
ભૂલાતા જતાં
પાળિયા ઓ જેવી ,

'ને તું ?

અતીત ને જાણે
ભૂલી જવા માગતી ના હોય
તેમ જાણી જોઈ ને
મોઢું ફેરવી લ્યે છો  !

તારી સામે તો
આ ભવ પછી ,
અનેક ભવોની વાટ
રાહ જોતી ઉભી છે  -

જ્યાં હું ઉભો છું ?

તને શું દેખાય છે
ભાવિની ભીતર માં ?

નવો અવતાર ?
નવા બંધનો ?
નવી ભૂલ ?
નવા પાપ ?

જૂનાં શું ખોટા છે ?

------------------------------

Ahmedabad  /   23  July  1985
__________________________________________Monday, 8 July 1985

એક વાદળી માટે ઝંખુ______________________________________________________
એ ખરું કે
મને કોઈએ કહ્યું ન્હોતું -

બાવન માં થી બહાર પડવાને ટાંકણે
બાવીસ દિવસ નો વનવાસ તો મેં
જાતે , સામે ચાલી , જાણી જોઈ
વ્હોરી લીધો  ;

પણ મારા મન નું કારણ
કોને , કેમ કરી કહું  ?

મારા ઓઠ પર
પટ્ટીઓ જ મારવા ની બાકી રહી છે ,
બાકી તો મૌન જ મૌન છે .

'ને જો તને શરમ આવતી હોય
તો સવાર સાંજ
કાળા ચશ્માં પહેરી રાખું !

જીવ તો અમસ્તોય
રૂંધાય છે ,
ગૂંગળાય છે ,
ભીંસાય છે .

પણ તને તો મારો
શ્વાસ પણ સંભળાય છે ?

હું તો એક પ્રતિક માટે ઝંખુ
એક symbolic gesture માટે -

વૈશાખ ની આ બળબળતી બપોરે 

એક વાદળી માટે ઝંખુ .

--------------------------------

Sanand  /   08 July  1985
__________________________________________Tuesday, 2 July 1985

પણ ક્યાં સુધી ?__________________________________________
આ કેવો રસ્તો ?

ન તો પાછાં ફરાય
કે ના આગળ વધાય  !

માંડ માંડ વાદળ વરસ્યું ,
તો મરૂભોમ માં  -

ન તો સરવાણી થાય
કે ના તલાવડી ભરાય  !

ધીખતી ધરતી માં પાણી
ધરબાઇ જાય  -

જાણે તારી નજર
'ને મારું પ્યાસું મન  -

એવું તરસ્યું
કે તારા નેણ ના
એક એક કરી
પલકારા ગણું ,

'ને તારા ઓઠ ફફડે તો
એક એક કરી
પડતાં વેણ ને ઝીલું

આ રસ્તા ની ચોકડી એ
તારી રાહ તો જોઉં
પણ ક્યાં સુધી ?

-----------------------------

Sanand   /   02  July  1985
__________________________________________
Monday, 1 July 1985

ખૂબ મૂંઝાયો છું
_________________________________________________________________________________
આકાશ માં દિશા નથી ,
રસ્તા નથી ,
Dead-End નથી  -

તેથી સ્તો
વાદળું એકલું છતાં
ભૂલા પડી જવાનો ડર નથી ,
રસ્તા નો અંત આવી જવાનો
ભય નથી  :

પણ હું તો આ ધરતી નું પ્રાણી ,

અહીં તો અનેક દિશાઓ છે ,
આડી અવળી
ઉલટી સુલટી
સીધી ઉંધી ,

'ને રસ્તાઓ પણ કંઈ પાર વિનાના છે  -
બહુ ઓછા ,
સીધા , સરલ , સપાટ  ;

જાજુ કરીને ,
વાંકા , ચુંકા , ખડબચડા
'ને ગૂંથણી એવી
માનવ સમાજની
ભૂલ ભૂલામણી જેવી  !

હું તો બહુ ફસાયો છું !
જાણે કરોળિયા ની જાળ માં
જકડાયો છું !

જેમ જેમ માર્યા ફાંફાં
તેમ તેમ
ગુંચવાયો છું !

તારા પ્રેમ ના બંધન માં
હવે હું
ખૂબ મૂંઝાયો છું  !

----------------------

Sanand
________________________________________________________________Thursday, 27 June 1985

એક સાંજ માંગું_________________________________________________________________________________
હું માંગું
'ને તું આપી શકે
તો
જીવન ની એક સાંજ માંગું  ;

ઢળતા સૂરજની શાખે ,
વાંઝણી ,
સિંદૂર ભર્યા સેંથાની
એક સાંજ માંગું  :

પણ તું માંગે તો હું શું આપું ?

મારી ક્યારીએ નથી ખીલ્યો કેસુડો
' ને આભલાં વિનાનાં
મારા આકાશ
છે સાવ સૂના સૂના :

મારા વિરાનામાં
ભૂલથી પણ
વસંતનો વાયરો નથી વાયો  -

અફાટ અરણ્યમાં
એકલો
પગથી પાડતો ચાલ્યો જાઉં છું ,
તારા પગરવ ના પડઘા સાંભળુ છું  -

પણ પાછુ વળી જોવાની હિંમત નથી  ;

બાવન માંથી નીકળી હવે
ક્યાં જાજા જોજન બાકી છે ?


-------------------------------------------------------------------------------

27   June  1985
_________________________________________________________________________________

Saturday, 18 May 1985

હવે તું સૂતો જ રહેજે !________________________________________
દુષ્ક્રૂતો ના વિનાશ કરવાવાળા
કૃષ્ણ ,
તું ક્યાં છે  ?

ધર્મ નું સંસ્થાપન કરવાવાળા
કૃષ્ણ ,
તું ક્યાં છે  ?

અલ્લા ના પયગંબર કહેરાવવાલા
મોહમ્મદ ,
તું ક્યાં છે  ?

સદ્દામ ના જાલિમો
'ને
ખોમિની ના કાતિલો એ
જયારે
મારા અશરફ

-- મારા , આઠ વર્ષ ના અશરફ ના
    આઠ ટૂકડા કર્યાં ,

ત્યારે તું ક્યાં સૂતો ' તો ,
ભગવાન  ?

ઇન્સાફ ના ફરિસ્તા ,
હવે તું સૂતો જ રહેજે  !

અને આ માનવી નો ઇન્સાફ જોજે -

આકાશ માં થી આગ વરસાવનાર
હેવાન ની બીબી ને ખોળે ,

મારો અશરફ અવતરશે
- ફરી ફરી ને અવતરશે ,

ગાંડો થઇ ને ,
લૂલો , લંગડો , કાણો , થઇ ને ;

'ને
જીવનભર રાતે પાણીએ રડાવશે ;

ત્યારે તારી દુઆ થી કશું નહિ થાય --

અશરફ બેટા ,

જલ્લાદો ના કર્મ નો ક્ષય
ધીમે ધીમે કરજે ;

જેમ હું
તારા બદન ના ટૂકડા ,

જીવનભર ઉઠાવતો રહીશ
આહિસ્તા , આહિસ્તા
--------------------------------------------

Written after seeing a picture of a Iraqui father carrying the dead body of his son - killed by Iraqi Army

18  May  1985

________________________________


Tuesday, 7 May 1985

આજે મને સપના માં સતાવશે________________________________________
ઘણું કહેવા નું મન થાય છે ,

આજે તને
દૂર થી ચૂમી લેવા નું મન થાય છે  -

સમાજ ના બંધનો તોડી
તારી છબિ છાતી એ ચાંપી ,
ફરી એકવાર
મનોમન ,
ઝૂમી લેવા નું મન થાય છે  !

ઘડીભર માટે
કાળું વાદળું ખસી ગયું  -

તારા ચહેરા પર જે સ્મિત
છાયું હશે
આજે મને સપના  માં સતાવશે  !

તારા ભગવાને તારી પ્રાર્થના સાંભળી
કે પછી
તે મારી પ્રાર્થના સાંભળી ?

તું એનો પાડ માન
હું તારો .

-------------------------------------------------------------

07  May  1985
________________________________________